ઘણી વાર કોઈ પ્રસંગ પર થી ગઝલ બને છે, તો ઘણી વાર કોઈ પ્રસંગ વખતે ગઝલ બને છે. ઘણી વાર સંબંધ પૂરો થયે ગઝલ બને છે, તો ઘણી કિસ્સા માં સંબંધ ને કારણે ગઝલ બને છે. અને ક્યારેક તો કારણ વગર પણ ગઝલ બન્યા ના દાખલા છે. આવીજ રીતે ક્યારેક ગઝલ ને કારણે સંબંધ બને ?? હા વળી કેમ નહિ, બે અજાણી વ્યક્તિ, જે કદી એક બીજા ને મળ્યા નથી, પણ ગઝલ ના માધ્યમ થી મિત્રો બને તો થયો ને ગઝલ ને કારણે સંબંધ, અને એ મૈત્રી ની શરૂઆત રૂપે થઇ જાય એક ગઝલ.
વાત કઈ આમ બની કે થોડા દિવસો પેહલા મુકેલા, મારા લખાણ ને વાંચી આદરણીય પંચમભાઈ ને કંઈક સુજ્યું અને તેજી ને તો ખાલી ટકોરો જોઈએ, આમ મળી ગુજરાતી સાહિત્ય ને એક ઉત્તમ ગઝલ. હું અહી ગર્વ થી કહીશ કે, મારું પણ ગુજરાતી સાહિત્ય જગત માં કંઈક યોગદાન છે ….!!
અને એમાં પણ પંચમભાઈ ના અંગત ગલોલા પર થી ઉડી ને, મારી બારી એ રાહ જોતી આ કૃતિ ને, મારા Blog પર મુકવાની વાત કરી ને પંચમભાઈ એ જે ખુશી મને આપી છે તેનું વર્ણન શબ્દો માં કરવું મારી માટે તો અશક્ય છે. આમ જોઈએ તો આ જગ્યા પંચમભાઈ ના મોતી ને યોગ્ય નથી, પણ અહી હું મારો હક્ ગણી ને આ એક ગુસ્તાખી કરું છું.
પંચમભાઈ ની મિત્રતા ની ભેટ સહર્ષ સ્વીકારતા ….
પ્રિય ભાર્ગવ
તારી તાજી ભાવભરી રચના વાંચ્યા પછી એ ભાવની અસર હેઠળ જે ગઝલ/રચના સ્ફૂરી તે આ મુજબ છે. આમ જોવો તો આમાં ભાવ તારો અને છંદ તથા ગઝલની બાનીની ગોઠવણ મારી એવું ગણાય. આથી જ મારી આ નવી રચના આપણી બ્લૉગ મૈત્રીને અર્પણ કરું છું. તારી મૂળ કવિતાની નીચે જ આને મૂકીશ તો મઝા પડશે. હવે છંદ અને ગઝલ સ્વરૂપ શીખી લે તો મને બહુ ગમશે- ગુજરાતી ભાષાને એક નવો કવિ મળે એવી પૂરી શક્યતાઓ છે.
એક વર્તુળની સફર
ગાંઠ એ શાને હજી ના ખૂલતી કોને ખબર ?
કોક ખૂણે કોકડું ઈચ્છા વળી કોને ખબર ?
એક સિક્કો એમ ઊછળીને પડ્યો છે ભોંય પર,
ચીત થઈ ગઈ પટ મહીં બાજી કઈ કોને ખબર ?
ટેરવેથી ઠેકીને પહોંચા લગી પહોંચી જતે,
હસ્તરેખાની દીવાલો ક્યાં નડી કોને ખબર ?
બહાર છો થીજી જતું સર્વસ્વ ધોળા બર્ફમાં,
કાળા ઓશીકે વહે ઊની નદી કોને ખબર ?
પ્રશ્ન એકજ ફોલીને ફેંક્યો અને લપસી પડ્યાં,
ઉત્તરોની છાલ લીસ્સી કેટલી કોને ખબર ?
એક વર્તુળની સફર, આરંભ ક્યાં ને અંત ક્યાં?
કેટલી લાંબી રહી; સીધી રહી, કોને ખબર?
પંચમ શુક્લ
૧૭/૬/૦૯
છંદ-વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
June 18, 2009 at 4:42 pm
એક વર્તુળની સફર, આરંભ ક્યાં ને અંત ક્યાં?
કેટલી લાંબી રહી; સીધી રહી, કોને ખબર?
એક સાચી અને ગૂઢ વાત,ફિલોસોફી..
June 19, 2009 at 3:46 am
બ્લોગજગતમાં ભાર્ગવભાઈનું સ્વાગત. પંચમને ધન્યવાદ… ખૂબ સરસ રચના છે.વળી એક દાખલારૂપ છે કે નવાને કઈ રીતે માર્ગદર્શન પૂરું પાડી શકાય.
June 19, 2009 at 5:01 am
ટેરવેથી ઠેકીને પહોંચા લગી પહોંચી જતે,
હસ્તરેખાની દીવાલો ક્યાં નડી કોને ખબર ?
ખૂબ જ સુંદર રચના, પંચમભાઇ !
અભિનંદન !
આજે આપના બ્લોગની પ્રથમ વખત મુલાકાત લીધી,
સુંદર બ્લોગ થયો છે. અભિનંદન !
ભાર્ગવભાઇ, બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે !