એવું પણ બને!,
હસ્તરેખા વાંચતા-વંચાવતા,
હથેળી માંજ એક હાથ નીકળે…

વિમાન Sydney Air-Port પર પહોચ્યું ને, બહાર નીકળતા, વિમાન પરિચારિકા ના તણાયેલા હોઠો ના અભિવાદનને તમે એવાજ વ્યાપારી અભારસહ પરત આપ્યું. સામાન હસ્તક કરી ને, કાચ ના દરવાજા ની બહાર આવી તમે સહુથી પેહલા તમારા અગત્ય ના દસ્તાવેજ તપાસી લીધા, ધર્મ. કાલે જેને મળવાનું છે તે Company નું સરનામું, ત્યાં જેને મળવાનું છે વ્યક્તિ નું નામ, તમારી Hotel ના bookings અને સરનામું, બાકી તમારા કામ ના દરેક અગત્ય ના દસ્તાવેજ, હવે તો આ બધું તમારી આદત બની ગયા હતા. comanpy ના દરેક કામ અને જવાબદારી ને તમે પૂરી નિષ્ઠા થી પર પડતા હોઈ, તમને જ નવા client ના setup માટે મોકલ્યા છે. હવે, તમે તમારી આજુ બાજુ નજર નાખી ધર્મ, અને કોણ તમારા નામ નું કાગળ પકડી ઉભું છે તે શોધવા પ્રયત્ન આદર્યો. પણ તમારે બહુ રાહ ના જોવી પડી, તમારા ખીસ્સા માં રહેલો company-cell રણકી ઉઠયો, સામે છેડે Austalian ઉચ્ચારણો વાળા અંગ્રેજી માં વાત ચાલુ થઇ, જેનો સાર અહી એટલો જ કે તમને તેડવા નીકળેલા માણસ ની ગાડી માં કોઈ ક્ષતિ હોવાથી તેને એકાદ-બે કલાક જેટલું મોડું થશે, તો તમે તેની રાહ જોવો અથવા texi કરી ને તમારી hotel પર જઈ શકો છો, તમને પડેલી મુશ્કેલી બદલ તેઓ દિલગીર છે, અને આપને આપના ભાડા નું વળતર મળી જશે. મન માં ને માં બે ગાળો દઈ, તમે હવે વિચારો છો કે શું કરવું? પણ જો તમને ખબર હોત કે આગળ શું થવાનું છે તો કદાચ તમે ખુશ થયા હોત ધર્મ. સહુ થી પેહલો વિચાર તમને coffee નો જ આવ્યો, starbucks ની mocha આમ પણ તમારી કમજોરી છે, અને આજે તો મોકો પણ છે અને સામે જ ઇજન છે. જ્યાં સુધી બેસાય ત્યાં સુધી બેસી ને coffee પીએ અને પછી જો પેલો ના આવે તો texi તો છે જ, આવો વિચાર કરી ને તમે store માં ગયા, ધર્મ.

હંમેશા ની જેમ, તમે એક tall mocha without cream માંગી.
“Is that all? That would be three fifty sir, and your coffee will be ready in a moment, next”
એકી શ્વાસે બોલી, જમણી બાજુ થી તમારી વસ્તુ મળશે એવો ઈશારો કરી, એ તો તમારી પાછળ ઉભેલા નો order લેતી હતી, પણ જમણી બાજુ એ coffee-machine ની પાછળ જોઈ ને તમારા મન માં એક ઘમાસાણ ઉઠયું.
આમ તો તમને જીવન માં ઘણા સુખદ: આંચકા લાગેલા છે, ધર્મ. પણ આજે તો તમારા હોશ જ ઉડી ગયા છે. તમે કેમ ભૂલી શકો એ આંખો, પેલી એ-જ બદામી આંખો, ઊંડા તળાવ જેવી, શુક્ર ના તારલા જેવી આંખો, અને એ ચેહરો, એકદમ ભોળો, માસુમ, ત્યારે હતા એજ નિર્દોષ ભાવ.

“TALL MOCHA, ANYONE!!” એ બીજી વખત ના સાદે તમે પાછા આવ્યા.
“એ, મારી છે.” પ્રથમ તો ગુજરાતી થી, પણ વધુ તો કદાચ ધર્મ ને સામે જોઈ ને જ હવે આંચકા નો વારો તમારો હતો માધવી. શું બોલવું, અને શું ના બોલવું, આટલી વિચાર-શૂન્યતા તમે માધવી, લગભગ કદી નો’તી અનુભવી.

“અરે તું!!!… તમે ???? ઓહ્હ ……..ઉમ્મ …કેમ છો?”, આટલું તો તમારાથી માંડ બોલાયું માધવી.
“મજામાં, ઘણો જ મજામાં….તમે?” ધર્મ, તમે તો ઘણી સ્વસ્થતા ધારણ કરી લીધી હતી.
પણ માધવી, તમને તો હજુ કઈ સમજ માં નોહતું આવતું કે શું થઇ રહ્યું છે?
“બસ, ઠીક છે. પણ તમે અહી ક્યાંથી? મતલબ તમે તો states માં હતા ને.”
“હા, એક કામ છે તો છેલ્લા બે મહિના થી Australia માં જ છું, Sydney આજે જ આવ્યો. અને આ સવાલ તો હું તમને પણ પુછુ છું તમે અહી ? મને તો ઘડીભર વિશ્વાસ જ ન બેઠો કે સાચે જ તમે છો.” ધર્મ આમ તો તમે પણ એટલી જ મીઠી મૂંઝવણ માં હતા. અને એટલે જ જયારે, માધવી એ કીધું કે એનું કામ થોડી વાર માં પૂરું જ થાય છે અને પછી શાંતિ થી વાત થશે તો તમે સસ્મિત એક ખૂણા ની ખુરશી પર સ્થાન જમાવ્યું.

હવે તમને કૈંક વિચારવા નો મોકો મળ્યો ધર્મ, એક વખત ફરી થી coffee-machine પાછળ સ્મિત ની આપલે થઇ અને તમે અઢાર મહિના પાછળ ના ભૂતકાળ માં ખોવાઈ ગયા…

…………….

“આતો કોઈ વાત છે! આમ તો કઈ હોતું હશે!! આખી જીંદગી નો નિર્ણય મારે આમ એક મુલાકાત માં લઇ લેવા નો!!” ધર્મ, તમને હજુ એ “છોકરી જોવા” ની વાત ગળે ઉતરતી ન’હતી.
“અરે ગાંડા!!, તું ફક્ત અમારી સાથે ચાલ, ચ્હા પીજે નાસ્તો કરજે અને થોડી વાતો કરજે, બાકી તારે કોઈ વાત વિચારવા ની જરૂર નથી” મોટાભાઈ ઉવાચ…
………………….

“ના! મારે ચ્હા નહિ પીવી”..
” લઈ લો ને, આખા દૂધ ની છે! એટલી ખરાબ પણ નહિ…”… રૂપા ની ઘંટડી વાગી.

તમને આજે પણ ખબર નથી કે કેમ તમે તુરંતજ પ્યાલો લઇ લીધેલો. ચા-પાણી થયા, વધુ એક બે વાતો થયી, શું કામ કરો છો? ત્યાં અમેરિકા માં કેવું છે અને જેવું તમે ધરતા એવું બધું જ તમને પુછાયું ધર્મ. અને પછી મોટાભાઈ એ તમને ઈશારો કર્યો, અંદર ના ઓરડા માં જવાનો.

એક સાદી ખુરશી, ખુલ્લી બારી, બારી પાસે પલંગ અને પલંગ પર સવાર નો કોમળ સૂર્ય, ઘણો બધો અટાલો! અને એમાંથી ફરી એ જ રૂપા ની ઘંટડી!!!
“આવો!!”
“ખબર નહિ તમને મારા વિષે કેટલી ખબર છે, કેટલું કેહવામાં આવ્યું છે….મારું નામ ધર્મ”
“હું માધવી!”
ધર્મ, તમે જોયું એ બદામી આંખો માં. કૈક એવું, જે તમને ખબર નથી શું છે, પણ એટલી ખબર જરૂર છે કે કોઈક સવાલ નો જવાબ છે એમાં …..
……………………………………….
“તો, તમે અહી કઈ થી?!” માધવી ના સવાલે તમે વર્તમાન માં પાછા આવ્યા, ધર્મ.
ફરી તમારી આંખો એ બદામી આંખો સાથે મળી, પણ હવે કોઈ જવાબ નથી એમાં.
“હુમ્મ, હા!… પગ ના તળિયે તલ છે, તો બધે ફર્યા કરું છું, પણ તમે અહી?? ”
“છેલ્લા છએક મહિના થી અહી Masters કરવા આવી છું, અને અહી part time નોકરી કરું છું.” માધવી તમને ખબર નહિ, પણ કેમ આટલું બોલતા તો તમારું ગળું સુકાઈ ગયું.
થોડી આડી અવળી વાતો અને આખરે ધર્મ તમે પેહલ કરીને એ ભારે સવાલ પૂછી જ નાખ્યો, જેનો જવાબ તમને બંને ને પાછલા કેટલાક સમય થી કોરી ખાય છે.

“માધવી! તમને જો ખોટું ના લાગે તો એક વાત પુછું? ત્યારે તો તમે કેહતા હતા કે બસ હવે તમારે આગળ નહિ ભણવું, અને હવે આ? તમે ત્યારે જ કેમ ના ન કીધી??”
“…….., તમને ખબર, શું કામ?” માધવી ના એ વેધક સવાલ ને તમે સમજી ના શક્યા, ધર્મ.
“ના તો તમે કીધી હતી શા કારણે એ પણ મને કોઈએ નહિ કીધું, મારી હા કે ના તો બહુ દૂર ની વાત છે!! ” આવેશ માં તમારો આવાજ થોડો ઉંચો થઇ ગયો માધવી.
“શું ?? મેં તો ઘરે આવી ને તરત જ ભાઈ, ભાભી ને મારી ઈચ્છા દર્શાવી હતી, અને હજુ એકાદ વાર મળવા માટે પણ પૂછ્યું હતું. પણ પછી મને એવું કેહવાયું કે તમારા લોકો ની ઈચ્છા નથી. તમારે જો ત્યારે જ ઈચ્છા ના હતી તો મને શું કામ કીધું તું કે હજુ એકાદ વાર મળી ને નક્કી કરીએ.” આટલા વખત નો તમારો ધુંધવાટ હવે એકજ વાર માં ઠલવાય રહ્યો છે ધર્મ.
તમે બંને એક બીજા ની આંખો માં સાચી વાત જાણવાની નાકામ કોશિશ કરો છો.
બંને ને માનવામાં નથી આવતું કે જો બે માંથી એક પણ ને વાંધો નહતો તો કાચું કપાયું ક્યાં ??

“જે હોય તે હવે મારે જવાનો સમય થઇ ગયો છે, ધર્મ.મારી બસ આવતી જ હશે. તમારે ક્યાં જવાનું છે? તમને ખબર છે કે Texi ક્યાં થી મળશે? કે પછી તમે હજુ અહી જ રાહ જોશો…..” રૂપા ની ઘંટડી વાગી.
અને તમારી આંખોને એ બદામી આંખો માં પોરવતા તમે બોલ્યા ધર્મ,
“ખબર નહિ!….. પણ એટલું સાચું છે કે મારે પણ હવે એજ બસ પકડવાની છે.”

છેલ્લા અડધા કલાક માં ઘણા સવાલ ના જવાબ તમને લોકો નથી મળ્યા, પણ એક સવાલ નો જવાબ તો તમે મેળવી જ લીધો છે. જેની જાણ તમારા બન્ને ના કુંડળી-ભીરુ માતા પિતા ને નથી, એ લોકો તો હજુ એમજ સમજે છે કે, છત્રીસ માંથી એક પણ ગુણ માં તમારૂ મળવાનું લખાયું નથી.

-ભાર્ગવ મારૂ
Munich, Germany.

ઘણી વાર માણસે પોતે કરેલી ભૂલો પર, વીતી ગયેલા સમય પર નજર નાખવા નું મૂકી દીધું હોય છે. વળી, અમુક વાત, પ્રસંગ, વ્યક્તિ, સંબંધ ભૂલી જવામાં જ ભલાઈ હોય છે. દરેક યાદ મન ને શાતા આપે એવું નથી. મન ને અસ્વથ કરતી વાતો ને જયારે મિત્રો જ યાદ અપાવ્યા કરે ત્યારે વધારે ખુંચે છે.

આવી યાદો ને ભૂલી જવી સેહલી નથી અને મિત્રો જ એ વાત ભૂલવા નહિ દેતા, પણ એમાં એમનો બદઇરાદો નહિ હોતો. ખાલી, એક મિત્ર ને આટલી જલ્દી હાર ના માનવાની, એક છેલ્લો પ્રયત્ન કરી લેવાની વિનંતી હોય છે.

****

સારુ છે કે મિત્રો હજુ મળ્યા કરે છે,
તારા જુના ઘાવ હજૂ ઠોલ્યા કરે છે.

ચાર રસ્તે મળે જો કદી, ઉભા રહી જાય,
આજે પણ તારા ક્ષેમ-કુશળ પુછ્યા કરે છે.

વળી, મળ્યા હોય જો તને કદી મારા ‘મિત્રો’,
વળતે દહાડે આવી તારી ખબર દિધા કરે છે.

મને તો ઝાંખુ એવુ પણ યાદ નથી કઈ,
તોપણ મેહફિલ માં તારા સમ દિધા કરે છે.

જેના જવાબ આપણે બંને ને કદી ના મળ્યા,
એવા બધા સવાલો ના જવાબ માંગ્યા કરે છે.

ભૂલી જાવ બધુ હું, મંજુર નથી કોઈ ને
મને હંમેશા યાદ તારી અપાવ્યા કરે છે,

દુર નીકળી ગયો છું ઘણો, એ મુકામે થી,
વળી વળી ને એજ વળાંકે પાછા લાવ્યા કરે છે.

ભાગ્યશાળી માનું છું મને, કે એવા દોસ્તો કર્યા,
જે હારી ગયેલા માટે હજુ, જીત ની દુવા કરે છે.

-ભાર્ગવ મારૂ
૨૧-૨૨/૦૪/૨૦૧૦
Munich, Germany.

શ્રીમાન મનોજ ખંડેરિયા ની ગઝલ “એમ પણ બને” તો સહુ ને ખબર છે,
જેમ આંખ ઉઘાડી દેતા બનાવ સાવ આમ જ અચાનક બની જતા હોય છે, તેવી જ રીતે,
ઘણી વાર એવું બને કે, સાવ અચાનક, અજાણતા ધારી ન હોત એવી ઘટના બને કે જેનું કોઈ વિવરણ શક્ય નથી. આવી કોઈ ઘટના, એટલે પ્રથમ નજર નો પ્રેમ! નહિ તો વળી બીજું શું હોય??
વળી, મોટા ભાગ ના કિસ્સાઓ માં તો, આ “ઘટના” ધારી ના હોય ત્યાં જ ઘટતી હોય છે.

એવું પણ બને!,
       સુક્કા-ભઠ્ઠ રણ ની બરોબર વચ્ચે,
       કુંપળ એક લીલી ત્યાં-જ નીકળે…

એવું પણ બને!,
       ભર ઉનાળે ધોમ-ધખતા વચ્ચે,
       ભીંજવી દે એવો વરસાદ નીકળે…

એવું પણ બને!,
       પીળા ગરમાળા ની નીચે,
       અચાનક એક મુલાકાત નીકળે…

એવું પણ બને!,
       રાત ની છેલ્લી સવારી માં,
       છેક સુધી સંગાથ નીકળે…

એવું પણ બને!,
       મુશાયરો ઉભો થતા પે’લા,
       આવી જ કોઈ વાત નીકળે…

                    ***

તા.ક :
ખબર નહિ પણ કેમ,
આ પંક્તિ(??)  અહી ક્યાંય બંધ બેસતી નથી એવું લાગે છે.

એવું પણ બને!,
       હસ્તરેખા વાંચતા-વંચાવતા,
       હથેળી માંજ એક હાથ નીકળે…

-ભાર્ગવ મારૂ
૧૧/૦૯/૨૦૦૯
Munich, Germany.

સવાર મા ઉઠી ને પેલું કામ Facebook check કરવા નું કર્યું, જોયું તો ભુષણ નું status મન માં કૈંક હલાવી ગયું.

વાત સો ટકા સાચી છે, પણ મારા મતે હવે બદલાવા ની જરૂર છે. કોઈ એક ગાલે લાફો મારે તો બીજો ધરી દો, સોળ આની સાચી વાત છે. પણ સામે વાળો એ પછી પણ લાફાવાળી કરે, તો સુભાષચંદ્ર બોઝ જ બનવું પડે. ઘણી વાર આપણા મૌન્ ને લોકો, નામર્દંગી સમજી સાવ છેલ્લે પાટલે બેસી જતા હોય છે.એવા લોકો સાથે તો “જેવા સાથે તેવા” જ બની કામ લેવું જોઈએ.

સવારે ઉઠતાવેંત લખેલી અને એક પણ વખત મઠાર્યા વગર ની આ રચના અહી મુકવા નું એક જ કારણ મારા સાચા અને “sugar-coted” કર્યા વગર ના વિચારો મુકવા નો ઇરાદો છે.

સામે છેડે લાગણીઓ ની “Battery discharge” કરતો થઈ ગયો,
તો સારુ થયુ કે હુ,
માણસ મોબાઈલ થઈ ગયો.
દોસ્તી ના તાર જ્યાં “unreachable” કરતા થઈ ગયો,
તો સારુ થયુ કે હુ,
માણસ મોબાઈલ થઈ ગયો.

“કામ મારે નથી, તો balance શુ કામ, હુ બગાડુ?”, એ વિચારી,
ટહુકો પેલો “Missed-call” થઈ ગયો,
તો સારુ થયુ કે હુ,
માણસ મોબાઈલ થઈ ગયો.

સ્વાર્થ જ સ્વાર્થ, હુ ને મારુ, તારુ પણ મારુ,
એક જ “caller-tune” ને વળગ્યો,
તો સારુ થયુ કે હુ,
માણસ મોબાઈલ થઈ ગયો.

મર્યાદા ને ઓળંગી, છેક છેલ્લે પાટલે,
હદ પાર “out-of coverage” થઈ ગયો,
તો સારુ થયુ કે હુ,
માણસ મોબાઈલ થઈ ગયો.

કામ કઢાવવા, સ્વાર્થ ને સાધવા, એક જ ઈરાદે,
હવે તુ “SMS” મોકલતો થઈ ગયો,
તો સારુ થયુ કે હુ,
માણસ મોબાઈલ થઈ ગયો.

પ્રેમ ને દોસ્તી, સંબંધ ને ઓળખાણ,અહીં પણ
હવે એહસાન ના “Balance-check” કરતો થયો?,
તો સારુ થયુ કે હુ,
માણસ મોબાઈલ થઈ ગયો.

વાર્ંવાર ના પ્રયત્નો પછી પણ, “Network” તારુ નહી મળે, ,
ખાતરી કર્યા પછી, મે મોબાઈલ “switch-off” કર્યો,
તો સારુ થયુ કે હુ,
માણસ મોબાઈલ થઈ ગયો.

-ભાર્ગવ મારૂ
૦૯/૦૮/૨૦૦૯
Munich, Germany.

ઘણી વાર કોઈ પ્રસંગ પર થી ગઝલ બને છે, તો ઘણી વાર કોઈ પ્રસંગ વખતે ગઝલ બને છે. ઘણી વાર સંબંધ પૂરો થયે ગઝલ બને છે, તો ઘણી કિસ્સા માં સંબંધ ને કારણે ગઝલ બને છે. અને ક્યારેક તો કારણ વગર પણ ગઝલ બન્યા ના દાખલા છે. આવીજ રીતે ક્યારેક ગઝલ ને કારણે સંબંધ બને ?? હા વળી કેમ નહિ, બે અજાણી વ્યક્તિ, જે કદી એક બીજા ને મળ્યા નથી,  પણ ગઝલ ના માધ્યમ થી મિત્રો બને તો થયો ને ગઝલ ને કારણે સંબંધ, અને એ મૈત્રી ની શરૂઆત રૂપે થઇ જાય એક ગઝલ.

વાત કઈ આમ બની કે થોડા દિવસો પેહલા મુકેલા, મારા લખાણ ને વાંચી આદરણીય પંચમભાઈ ને કંઈક સુજ્યું અને તેજી ને તો ખાલી ટકોરો જોઈએ, આમ મળી ગુજરાતી સાહિત્ય ને એક ઉત્તમ ગઝલ. હું અહી ગર્વ થી કહીશ કે, મારું પણ ગુજરાતી સાહિત્ય જગત માં કંઈક યોગદાન  છે ….!!

અને એમાં પણ પંચમભાઈ ના અંગત ગલોલા પર થી ઉડી ને, મારી બારી એ રાહ જોતી આ કૃતિ ને, મારા Blog પર મુકવાની વાત કરી ને પંચમભાઈ એ જે ખુશી મને આપી છે તેનું વર્ણન શબ્દો માં કરવું મારી માટે તો અશક્ય છે. આમ જોઈએ તો આ જગ્યા પંચમભાઈ ના મોતી ને યોગ્ય નથી, પણ અહી હું મારો હક્ ગણી ને આ એક ગુસ્તાખી કરું છું.

પંચમભાઈ ની મિત્રતા ની ભેટ સહર્ષ સ્વીકારતા ….

પ્રિય ભાર્ગવ

તારી તાજી ભાવભરી રચના વાંચ્યા પછી એ ભાવની અસર હેઠળ જે  ગઝલ/રચના સ્ફૂરી તે આ મુજબ છે. આમ જોવો તો આમાં ભાવ તારો અને છંદ તથા ગઝલની બાનીની ગોઠવણ મારી એવું ગણાય. આથી જ મારી આ નવી રચના આપણી બ્લૉગ મૈત્રીને અર્પણ કરું છું. તારી મૂળ કવિતાની નીચે જ આને મૂકીશ તો મઝા પડશે. હવે છંદ અને ગઝલ સ્વરૂપ શીખી લે તો મને બહુ ગમશે- ગુજરાતી ભાષાને એક નવો કવિ મળે એવી પૂરી શક્યતાઓ છે.

એક વર્તુળની સફર


ગાંઠ એ શાને હજી ના ખૂલતી કોને ખબર ?
કોક ખૂણે કોકડું ઈચ્છા વળી કોને ખબર ?


એક સિક્કો એમ ઊછળીને પડ્યો છે ભોંય પર,
ચીત થઈ ગઈ પટ મહીં બાજી કઈ કોને ખબર ?


ટેરવેથી ઠેકીને પહોંચા લગી પહોંચી જતે,
હસ્તરેખાની દીવાલો ક્યાં નડી કોને ખબર ?


બહાર છો થીજી જતું સર્વસ્વ ધોળા બર્ફમાં,
કાળા ઓશીકે વહે ઊની નદી કોને ખબર ?


પ્રશ્ન એકજ ફોલીને ફેંક્યો અને લપસી પડ્યાં,
ઉત્તરોની છાલ લીસ્સી કેટલી કોને ખબર ?


એક વર્તુળની સફર, આરંભ ક્યાં ને અંત ક્યાં?
કેટલી લાંબી રહી; સીધી રહી, કોને ખબર?

પંચમ શુક્લ

૧૭/૬/૦૯


છંદ-વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ગાંઠ એ ના છુટે કેમ? you are not sure.
ઇચ્છા એક અધુરી કેમ? you are not sure.

રમત કોઈ ને ના સમજાણી
ચિત્ત તારી તો પટ્ટ કેમ નહિ મારી? you are not sure.

આંગળી ને ટેરવે અંતર હતું,
તું કેમ ના ચાલી કે ના દોડી? you are not sure.

અંતે હંમેશા થાય છે ફરી શરૂઆત,
તોપણ રસ્તો ભાસે સીધ્ધો કેમ? you are not sure.

એ ઘડી, એ દિવસો, પેલી એ બપોર…
ભૂલતા નથી કે ભુલાશે નહિ, you are not sure.

શીયાળા ની એ બર્ફીલી એકલી રાતે,
કેમ આંખો થી ઓશીકું ભીંજાણું ? you are not sure.

ઘણા પ્રશ્નો, દરેક બાકી બીજા થી અલગ,
પણ, ઉત્તર હંમેશા છે એક. I am really sure.

“you are not sure.”, સાચું કહું તો હું પોતે પણ આ ગઝલ (??!!!) વિષે એટલો મક્કમ નથી, પણ પછી એમ વિચારી ને મન મનાવ્યું કે વાત જયારે હાલક ડોલક મન:સ્થિતિ ની થતી હોય ત્યાં ચુસ્ત ગઝલ કેમ ??? વળી, જયારે ચારે બાજુ ઉડતા અસ્તવસ્ત વિચારો ની જ વાત કરવી હોય તો એવી જ રીતે કેમ ના કરીએ?

-ભાર્ગવ મારૂ
૧૦-૧૪/૦૬/૨૦૦૯
Munich, Germany.

Rehin નદી ને કાંઠે વસેલુ સૂંદર શહેર Ruedesheim, શું સરસ જગ્યા છે. જો ક્યારેક જર્મની ફરવા આવો અને Frankfurt બાજુ હોવ, તો આ એક ફરવા લાયક અને ખાસ તો માણવા લાયક જગ્યા છે.

Ruedesheim, Germany

Ruedesheim, Germany

Rhein નદી એકધારી વહેતી હતી…
હજુ ferryboat ને આવતા વાર લાગશે,
પણ દ્રશ્ય ઘણુ સરસ છે, ચાલો બેસીયે થોડી વાર.
કૈંક અસ્પષ્ટ શબ્દો સંભળાયા,
ઉંચે જોયુ તો…
ભલે જર્મન ભાષા ના આવડતી હોય,
પણ એટલી ખબર પડી કે એને પણ અહીં જ બેસવુ છે.
સુર્ય હજુ સરસ ચમક્તો હતો, સરસ વાતાવરણ છે આજે.
ફરી જર્મન શબ્દો બોલાયા,
અને મારા ચેહરા ના હાવભાવ પરથી, અંગ્રેજી ભાષાંતર પામ્યા.
તમે ભારત ના છો?
…. હા.
સરસ, ભારત ઘણો સુંદર દેશ છે નહી.
સાચેજ!, અટલે જ તો હુ ભારત મા જન્મ્યો, હા હા હા.
……હુમ્મ્મ્,
હુ Romania થી છું.
……
પછી તો કાશ્મીર થી કન્યાકુમારી, ગુજરાત થી આસામ સુધી,
અને,
શ્રિ-૪૨૦ થી માંડી શાહરુખ ખાન કંઈક ચર્ચાઈ ગયા.
ferryboat ના સહુ થી ઉપર ના ભાગ ની મજા જ અલગ છે.
“hey!! I am back….
તો તમે ભારત થી અહિ ફરવા આવ્યા છો??”
ફરિ….,
હુ થી લઈ તમે સુધી….
મને થી માંડી તમને સુધી….
આખરે,
ખરેખર તો, હુ તમારી પાછળ, ખોટી boat મા ચડી ગયી.
અને તમે, અહીં છેક ઉપર આવતા રહ્યા, મારે તો લગભગ દોડવુ પડ્યુ.
!!!
તમે Ruedesheim જવાના છો?, મારે ત્યા સામે કાંઠે Bingen મા રોકાણ છે.
સાચૂ કહુ તો!!, હુ આજે જ નીકળી જવાનો છુ.
Bingen નજીક આવી ગયુ છે,
મારે જવુ પડશે, તમને મળી, વાતો કરી મજા આવી.
મને પણ…
ચાલો ત્યારે, આવજો…..
ડોક ફેરવી પાછળ જોયુ તો
ત્યા બંદરગાહ પર,
હાથ રુમાલ લહેરાઈ રહ્યો છે……

-ભાર્ગવ મારૂ
૨૨/૦૫/૨૦૦૯
In a train, Ruedesheim to Darmstadt.

આ long weekend મા થયુ ચાલો રીતેશ ને ત્યાં. વાતો થયી અને હંમેશા ની જેમ વાત એક સરખા શોખ પર અટકી. અને એમાથી હાઈકુ ની વાત નીકળી, જુદી જુદી websites પરથી હાઈકુ માણ્યા, એમાયે ઉર્મીબેન ના લખેલા હાઈકુ એ તો હુ અભિભૂત થઇ ગયો. વળી હમણા થોડા દિવસો પેહેલા જ રીતેશે તેનુ પહેલુ હાઈકુ લખેલૂ, અને  આખી રાત રીતેશ સાથે હાઈકુ વીષે વાતો કરતા કરતા ઉંઘ ક્યારે આવી ગઈ ખબર જ ના રહી.

સવારે પથારી મા પડ્યા પડ્યા, Alarm વાગવા ની રાહ જોતા જોતા, અચાનક જ કઈંક વીચારો ઉમટ્યા અને બની ગયુ મારૂ પ્રથમ “હાઈકુ”….

ભડકે બળે !!
આખી દુનીયા, મળે
નહિં ચીંગારી.

-ભાર્ગવ મારૂ
૨૨/૦૫/૨૦૦૯
Darmstadt, Germany

સમીકરણો બદલાયા રાતોરાત, તો મારો શું વાંક?
કર્યો તે વિશ્વાસ નો ઘાત, તો મારો શું વાંક?

ખંજર લઈ, પીઠ ઉઘાડી ભાળી,
કર્યુ જો તે કાંક, તો મારો શું વાંક?

નાની શી ચીંગારી મા પુરી ઉછીનૂ ઈંધણ,
કર્યૂ તે બધુ રાખ, તો મારો શું વાંક?

ઓળખાણ પણ હવે કેમ રહે?
હટ્યો તારો એ નકાબ, તો મારો શું વાંક?

નદી તટે તરસ્યો છોડ કરમાય,
બંધ તે બાંધ્યો ઉપરવાસ, તો મારો શું વાંક?

આમ તો દીવા ને, વાંધો ના આવત,
હટાવ્યો તે તારો હાથ, તો મારો શું વાંક?

સદીઓ-જનમો નો વાયદો આપી,
સાંજ તુ વે’લી કરી નાખ, તો મારો શું વાંક?

મેદાન મા પડઘો રાહ જોઈ થાક્યો,
પાડ્યો ના તે ફરી સાદ, તો મારો શું વાંક?

-ભાર્ગવ મારૂ

ઉફ્ફ્…
weekend મા પણ ઉંઘ વેહલા ઉડી જાય છે?
વળી,
આજે “કોઇજ” online નથી.

ચા બનાવી ત્યારે ધ્યાન ગયુ,
લગભગ બધુ ખાલી થઈ ગયુ છે,
ઘણુ બધુ લાવવાનુ છે….
Indian Store તો જાવુ જ પડશે.
સારુ છે, બરફ પડે છે રસ્તા મા ભીડ તો નહિ હોય.
ઝડપ થી જઈ ઝડપ થી પાછો આવી જાવ.
એક એક વસ્તુ યાદ કરી લખી લેવી પડશે,
કઈં ભુલાય તો છે…ક આવતા શનીવારે વાત જશે.

ચાવી હાથ મા લીધી
અને……
Messenger ટહુક્યુ;
chakki_rani: “Uuummwwahhh ….
Oye chaklaa, jagyo k nahi??? xxooxxox ”
…. …. ….
ત્યા
બારી બહાર, હજુ બરફ પડે છે…
જવાદે, યાર બહાર બહૂ ઠંડી છે,
આજે નહી જાવુ….!!!

-ભાર્ગવ મારૂ